Pages

Tuesday, 18 June 2013

તું લખાઈ ગઈ છો મારા ભાલમાં!

છે હવે પડઘા તારા દીવાલમાં,
તારી સાથે જોડાયો આ સાલમાં.
આજ ખાલીપો લઈ જીવી જઈશ,
તારો સથવારો તો મળશે કાલમાં!
તારા વગર રસ્તા બધા ભૂલી ગયો,
થઈ ગતિ મંથર હવે આ ચાલમાં!
સૂનકારની દુનિયામાં દાખલ થઈ ગયો,
સૂર થઈ ગયા બેસૂરા આ તાલમાં.
હું પળેપળને ગણું છું પાટી પર,
ક્યાં સુધી મૂકીશ મને આ હાલમાં?
સદનસીબી આપી છે એવી કુદરતે,
તું લખાઈ ગઈ છો મારા ભાલમાં!
'
અંકુશ' રાતીચોળ છે, છે સનમની ચંૂદડી,
એવી ક્યાં લાલાશ છે ગુલાલમાં?
અકબર બ્લોચ 'અંકુશ' (આરંભડા-મીઠાપુર)

વિમાસણ

વિમાસણની એવીય ક્ષણો આવી જીવનમાં,
દિલ-ભરી હસી શક્યા નહીં,
આંખો રહે છે કાયમ, અમારી ભીની,
મન-ભરી રડી શક્યા નહીં..!
સામે પડયા'તા જામ ભરેલા,
સાદ લઈ શક્યા નહીં,
ક્યારનુંય, ખખડાવે છે કોઈ હૃદય દ્વાર,
સાદ દઈ શક્યા નહીં...!
આ, નગર-ગલીઓ અજાણી નથી હવે,
આ ધૂળમાં આળોટી શક્યા નહીં,
સામા મળે છે, સો ચહેરાઓ જાણીતા,
બધા સાથે હાથ, મિલાવી શક્યા નહીં..!
વાત નિકળી, પ્રેમ-કે વ્યથાની ક્યારેય,
તો, નજર ફેરવી શક્યા નહીં,
દિલમાં રાખી જાગૃતિ, સદા લહેરાય છે 'પવન'
મહેંક, આપી ગયા દોસ્તીને, કહી શક્યા નહીં...!
ડૉ. પ્રવિણગિરિ ગોસ્વામી 'પવન'  (પોરબંદર)

''ખબરેય ન પડી'

જિંદગી માણવાની મજા હજુ પડી ન પડી,
ત્યાં મોતનાં છાયાં વાદળ, ખબરેય ન પડી,
આંસુ વહાવતા રહ્યા યાદ કરીને દિવસો,
ક્યાં યુવાનીના એ ગયા વીતી, ખબરેય ન પડી,
શું વસંત સમી ખીલી હતી એ જિંદગી મારી,
ને ક્યારે આવી પતઝડ, ખબરેય ન પડી,
બન્યાં હતાં જે હાથપગ, યુવાનીમાં સહારો
ક્યારે શિથિલ થઈ ગયાં, ખબરેય ન પડી,
માન્યું હતું મળશે સફળતા ઘડીક પ્રેમમાં,
ને થઈ ગયા વિફળ, ખબરેય ન પડી,
જેના સથવારે કરવી હતી, સફર છેલ્લી
એ જ સાથ છોડી ગયા અને ખબરેય ન પડી,
આજ સુધી પોતે સળગી, પ્રકાશ આપતાં રહ્યાં
અને બુઝાઈ ગયા ક્યારે, ખબરેય ન પડી
દિલીપ કે. સુથાર  (સાણંદ)