Pages

Friday, 18 November 2011

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં - રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
 - રમેશ પારેખ

No comments:

Post a Comment