Pages

Tuesday 14 June 2011

પ્રેમ એટલે.....

પ્રેમ એટલે મિલન….
મિલન એટલે નિકટતા…..
વિરહ એટલે દૂરતા…..
સહુને વિરહની દૂરતા તો સદા મોંઘી જ લાગતી હોય છે.
પરંતુ જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એની જ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે.
જીવનમાં જે જે ધાર્યું હતું¸જે જે ઇચ્છ્યું હતું¸જે જે ઝંખ્યું હતું એ બધું ધારણા કરતાં જુદું જ નીકળ્યું, એ વાત અહીં આખી ગઝલમાં બસ ઘૂંટાયા જ કરે છે¸પડઘાયા જ કરે છે….
અને અંતે અપૂર્ણ ઇચ્છાનો,અધૂરી ઝંખનાનો એક ઉઝરડો,એક ઘાવ… આપણા મન ઉપર ચિર અંકિત થઇ જાય છે.
જવાહર બક્ષીની ઉત્તમ ગઝલોમાંની એક અને ગુજરાતી ગઝલની તવારિખમાં MILE STONE સમી આ ગઝલને પુરુષોત્તમભાઇએ અદભૂત સ્વરાંકનમાં મઢી છે અને સ્વયં પુરુષોત્તમભાઇ અને આશિતભાઇએ મળીને જે રીતે ગાઇ છે એ માટે એટલું જ કહેવું પડે કે બીજા કોઇ ગાયકો માટે આવી રીતે ગાવું એ ગજા બહારની વાત કહેવાય.
                                   - ડો. જગદીપ ઉપાધ્યાય



સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી  પડી.
-જવાહર બક્ષી

No comments:

Post a Comment