Pages

Friday 27 July 2012

કોણ માનશે?

હતો ચિક્કાર મારો પણ ખજાનો કોણ માનશે?
નથી ટકતા કુબેરો નાં ગુમાનો કોણ માનશે?

બગીચો આજ સંતાડે ફુલો ની આડ માં નજર,
કદી મરતો હતો મુજ પર દિવાનો કોણ માનશે?

નથી એ ભેદ કરતો લૂંટવામાં રાય-રંક નો,
સમય ચોરી ગયો મારો જમાનો કોણ માનશે?

નફો નુકશાન ગણનારા તમારું કામ ના અહીં,
ચલાવી હાશકારા પર દુકાનો કોણ માનશે?

ગણી ને ચાર ટહુકાઓ રહે છે માલ મિલકત માં,
ધરાશાયી વડીલો નાં વિધાનો કોણ માનશે?

જરા ઊંચે ગયા કે બસ..પ્રહારો મૂળ પર થશે,
ખમી ને ઘા છુપાવું છું નિશાનો કોણ માનશે ?

---પારુલ.

No comments:

Post a Comment