Pages

Wednesday 4 July 2012

રહેવા દો,

મને આ દુર્દશામાં દોસ્ત, સૌ કંજૂસ રહેવા દો,
નથી હું ચાહતો, મારા દુઃખોનું દાન થઇ જાયે…

વગર મોતે મરું છું એની પાછળ એ જ હેતુ છે,
કબર જેવું જીવનનું કાયમી એક સ્થાન થઇ જાયે…

પીવાની શી જરુરત છે ઓ સાકી, એમને જેઓ,
તરસને કારણે પીધા વિના બેભાન થઇ જાયે…

જગતમાં કોણ એને જીવવા દે આબરુ સાથે,
કે જન્નતમાંય જે ઇન્સાનનું અપમાન થઇ જાયે…

બુલંદીમાં બને છે માનવી એવો અભિમાની,
ફરિશ્તાની જગા પામે તો એ શયતાન થઇ જાયે…

નકામાં લોક સૌ ઘેરી વળ્યાં દીવાનગી જોઇ,
પ્રયોજન તો હતું કેવળ તમારું ધ્યાન થઇ જાયે…

મહોબ્બતમાં મરું હું કઇ રીતે બેફામ એના પર,
મને જે જીવતો રાખે, જે મારો જાન થઇ જાયે…

- બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment