Pages

Tuesday, 5 June 2012

પામી ના શક્યો

એના હૃદયનો પાર પામી ના શક્યો,
ને હું કદી આચાર પામી ના શક્યો.
નૌકા બનીને છું તણાયો આજદિન,
પણ હું કદી મઝધાર પામી ના શક્યો.
પૂરી હતી એણે જ રંગોળી, અરે!
હું રંગ કે આકાર પામી ના શક્યો.
મેં વાટમાં પાગલ બની શોઘ્યા કર્યું,
પણ ક્યાંય હું આધાર પામી ના શક્યો.
જોતી હતી એ તીરછી નજરે ઘણું,
હું પ્રેમ કે ધિક્કાર પામી ના શક્યો.
કેવું હસીને દૂર એ ચાલી ગઈ!
હું પ્રેમનો એ સાર પામી ના શક્યો.
જગદીશ સાઘુ ‘પ્રજ્ઞેય’ (સુરત)

No comments:

Post a Comment