પળેપળના એ સ્મરણોની, યાદ અકબંધ છે,
જુદા થયા પછીનો, આ તે કયો સબંધ છે.
જ્યાં જોઉં ત્યાં દેખાય તું, મનમાં હરપળ તું જ છે,
સ્મૃતિઓની વહેતી સરિતામાં, પ્રેમ નિર્બંધ છે.
તારા સંગાથે હું, જીવી રહ્યો તો સ્વર્ગમાં,
વિરહની વેદનાના રણમાં, દરેક મજનુ અંધ છે.
તું તો ખુશ છે, તેં વસાવેલી તારી દુનિયામાં,
મારી તો હવે, જીવનની કિતાબ જ બંધ છે.
આ ભવમાં અંજળપાણી, ખૂટી ગયાં તો શું?
આપણે તો પ્રિયે, ભાવોભવનો સંબંધ છે!!!
હર્ષદ દોશી ‘‘હર્ષ’’(સુરત)
No comments:
Post a Comment