Pages

Monday, 25 June 2012

ભૂલી નથી


ભૂલવાનું એ
વચન, કેમ કરી
ભૂલું સજન ?!
*
એક વેળા મેં તને ચાહ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પણ, પછી એ કોયડો ઉકલ્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે બંજર-ગિરિ ખોડ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પત્થરોમાં પ્રાણ પણ પૂર્યો હતો- એ વાતને ભૂલી નથી.
 આપણે આકાશ ફાડી ઝરમર્યાં, વરસ્યા હતા કૈં ધોધમાર,
આપણામાં મેઘ ખુદ ન્હાયો હતો- એ વાતને ભૂલી નથી.
શ્વાસનાં થઈ જઈ હલેસાં આપણે નીકળ્યા અને ભૂલા પડ્યા…
ને પરસ્પર માંહ્યલો ખેડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો,
પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.
-’ઊર્મિ’

No comments:

Post a Comment